Thursday, September 20, 2007

ગુજરાતી ભાષા મારી મા છે, - ભાગ્યેશ જહા

ગુજરાતી ભાષા મારી મા છે,

સંસ્કૃત ભાષા મારી દાદી છે.

અંગ્રેજી ભાષા પડોશમાં રહેતી

એક રૂપાળી નારી છે.

દિવાળીના દિવસે પડોશમાં રહેતી

રૂપાળી નારીને પગે

લાગી એકસો એક ડોલર લઈશ.

પણ ઉંઘ આવે ત્યારે

મારી માનું જ હાલરડું સાંભળીશ.

પેટમાં દુખે ત્યારે દાદીના

હાથે સૂંઠ-ઘી ખાઈ

મારું જીવન સાર્થક કરીશ.

જીવન ને સ્વપ્ન માનું છું, - બેફામ

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,

ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,

જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે "બેફામ"
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.

- બરકત ગુલામહુસેન વિરાણી

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને. - બેફામ

હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા , એનો બનાવ્યો છે મને ,

સાથ આપો કે ના આપો, ખુશી છે આપની ,
આપનો ઉપકાર , મારગ તો બતાવ્યો છે મને,

દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ છતાં , સૌ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને ,

આમ તો હાલત અમારા બેય ની સરખી છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

બધા "બેફામ" જે આજે રડે છે મોત પર,
બધાએ જિંદગી આખી રડાવ્યો છે
મન.

હૃદયને રસ્તે હું જન્મ્યો હતો -મુકુલ ચોક્સી

હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?

હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ?

બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને ?

સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?

-મુકુલ ચોક્સી

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે, - ગની દહીંવાલા

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.

અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.

હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !

પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.

'ગની', નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.